કોઈને લાગ્યું વ્રજ તો વહાલું, કોઈને લાગ્યું પુરી તો પ્યારું
લાગ્યું તો સહુને જગમાં, કાયાનું ધામ તો કામણગારું
કોઈને ગમ્યું કૃષ્ણનું મુખ વહાલું, કોઈને લાગ્યું રામનું મુખ પ્યારું
લાગ્યું સહુને અરીસામાં તો, પોતપોતાનું મુખ તો પ્યારું
કોઈને લાગે વેદવાણી પ્યારી, કોઈને ગમી ચોપાઈ રામાયણની પ્યારી
લાગી સહુને તો, પોતપોતાની વાણી તો સદાય પ્યારી
કોઈને લાગ્યું સંતનું પગલું પ્યારું, કોઈએ ગણ્યું પ્રભુનું પગલું પ્યારું
લાગ્યું સહુને તો જગમાં, પોતપોતાનું પગલું તો પ્યારું
કોઈને લાગ્યું ગંગાનું જળ વહાલું, કોઈએ ગણ્યું જમનાનું જળ પ્યારું
લાગ્યું સહુને તો, પોતપોતાના કૂવાનું જળ અતિ પ્યારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)