|
View Original |
|
યાદમાં તારી હું તો માડી ખોવાયો જ્યારે
જગનું ભાન હું તો ભૂલી ગયો ત્યારે
આંખમાં માડી વેર વસી ગયું જ્યારે
આ જગ દુશ્મન લાગ્યું માડી ત્યારે
પ્રેમનાં છાંટણાં હૈયામાં છંટાયા માડી જ્યારે
આ જગ મીઠું લાગ્યું માડી ત્યારે
યત્નો બધા સફળ થાતા આવ્યા માડી જ્યારે
હૈયું હિંમતથી ભરાયું માડી ત્યારે
ભક્તિની ભાવના હૈયે માડી ભરાઈ જ્યારે
આંખે અશ્રુ માડી ખૂબ વહ્યા ત્યારે
અસંતોષ હૈયે ખૂબ વ્યાપ્યો માડી જ્યારે
હૈયું તડપી રહ્યું અશાંતિમાં માડી ત્યારે
ક્રોધની જ્વાળા હૈયે જાગી ગઈ માડી જ્યારે
વિવેક બધો ભુલાયો માડી ત્યારે
જ્ઞાનની સાચી ઝંખના હૈયે જાગી માડી જ્યારે
પ્રકાશ મને મળી ગયો માડી ત્યારે
લોભ-લાલચે હૈયું લપટાયું માડી જ્યારે
સાચી દિશા ન મળી મને માડી ત્યારે
હૈયે દર્શનની તીવ્ર ઝંખના જાગી માડી જ્યારે
દર્શન દેવા તું તો દોડી આવી માડી ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)